Vadvala Mota Ambaji Mandir
Bhavnagar, GujaratIndia

Vadvala Mota Ambaji Mandir

(શ્રી વડવાળા મોટા અંબાજી મંદિરનો ઇતિહાસ અને મહાત્મય)

"જેની ગોદમાં
સંસારના સઘળા સંઘર્ષો અને ઝંઝાવાતો
શમી જાય એ મા."

આપણા સૌનો અનુભવ છે કે કોઈ નિશ્ચિત કાર્ય માટે યોગ્ય સમય અને નિયત સ્થળ જરૂરી હોય છે. જેમ કે જ્ઞાન પ્રાપ્તિ માટે ચોક્કસ સમયે શાળાએ પહોચવું પડે.બીમારીના સમયે દવાખાને જવું પડે. અન્ય સ્થળે જવા માટે યોગ્ય સમયે બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન જવું પડે.બસ એમ જ રોજિંદા જીવનના સંઘર્ષો ,પડકારો અને સમસ્યાઓ સામે ઝઝૂમવાની શક્તિ પ્રાપ્ત કરવા નિયત સમયે નિશ્ચિત ધર્મસ્થાને પ્રાર્થના કરવી જરૂરી છે.આપણાં ધર્મસ્થાનો આપણી આધ્યાત્મિક શક્તિને પ્રબળ અને સબળ બનાવે છે,આપણા જીવનની બેટરીને રિચાર્જ કરે છે.સંસારના ત્રિવિધ તાપોનું શમન કરતાં શક્તિઘરો એટલે આપણી સંસ્કૃતિના રક્ષક એવા આપણાં મંદિરો !

આપણા ભાવનગરમાં અનેરાં એવા ઘણાં શક્તિઘરો આવેલાં છે. એમાંનું એક એટલે શહેરની મધ્યમાં, રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભક્તિ અને શક્તિનું સ્થાન એવું “મા નું ધામ“ શ્રી વડવાળા મોટા અંબાજી મંદિર.

ભાવનગર શહેરની સ્થાપના પહેલા રાજ્યકાળ સમયે વડવા અને રૂવા બે ગામો હતાં.વડવા ગામે વડના વિશાળ વૃક્ષ નીચે માં અંબાના પરમ ભક્ત એવા શ્રી વિષ્ણુસ્વામી (દંડીસ્વામી) નાની એવી ઝુંપડીમાં રહી માં અંબાના ગુણગાન ગાતા.એક રાત્રિએ માએ સ્વામીજીને સપનામાં દર્શન દીધાં.”મારે બહાર આવવું છે.”એમ કોઈ કહેતું હોય એવો સ્વામીજીને ભાસ થયો.સફાળા જાગીને જોયું તો વડના થડ પાસે લાલ મુખારવિંદવાળી માની મૂર્તિ.સ્વામીજી ભાવવિભોર થઇ ગયા.તેઓ અંતરની શ્રદ્ધા અને ભાવથી માની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેનું પૂજન-અર્ચન કરવા લાગ્યા.સમય પસાર થવા લાગ્યો.

મા અંબાના ભક્ત એવા એક વણિક વેપારી મુંબઈના મંદિરમાં સ્થાપનાર્થે બનાવડાવેલી માની આરસની સુંદર પ્રતિમા ગાડામાં લઇ બંદર તરફ જઈ રહ્યા હતાં.વડ પાસેથી પસાર થતાં ગાડામાં રહેલી માની મૂર્તિ અચાનક નીચે સરી પડી! મૂર્તિનું વજન એટલું બધું વધી ગયું કે અથાક પ્રયાસ પછી પણ તેને ફરી ગાડામાં ચડાવી શક્યા નહિ! સ્વામીજીએ સુચન કર્યું કે માની ઈચ્છા અહીં સ્થાપિત થવાની લાગે છે.વેપારીએ આજ સ્થાને મૂર્તિ સ્થાપનનો સંકલ્પ કરતાં મૂર્તિનું વજન સહજ બન્યું.શાસ્ત્રોક્ત રીતે મંદિરમાં બે મૂર્તિનો નિષેધ હોઈ માતાજીની ત્રીજી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.હાલમાં માના આ ધામમાં ત્રિવિધ સ્વરૂપે મા અંબા બિરાજમાન છે. આ પુરાણા મંદિરમાં જટાધારી શિવ સ્વરૂપ એવા વિશાળ વડની છાંયામાં શક્તિ સ્વરૂપા મા અંબા મહાકાળી , મહાલક્ષ્મી, મહાસરસ્વતી એમ ત્રિવિધ સ્વરૂપે બિરાજમાન રહી સદૈવ ભક્તોના ત્રિવિધ તાપોનું શમન કરી રહ્યા છે.
હાલમાં મા ના આશિર્વાદથી અને માના કૃપાપાત્ર ભક્તોના સહયોગથી મંદિરના નવનિર્માણનું કાર્ય સંપન્ન થયેલ છે.
મા અંબાની કૃપાથી રોજ સવારે 8:15 કલાકે સ્વયંસિદ્ધ આનંદના ગરબો-વિશ્વંભરી સ્તુતિનું ગાન છેલ્લા ઘણાં વર્ષોથી અવિરત થઇ રહ્યું છે. અવારનવાર માના ભક્તોના સહયોગથી બટુક તથા કુમારિકા ભોજનનું આયોજન કરવામાં આવે છે.મા ના સાનિધ્યમાં, મંદિરના પ્રાંગણમાં ઈશ્વર-સ્વરૂપ એવાં ભૂલકાંઓનેે આનંદપૂર્વક ભોજન લેતાં નિરખવા એ અદ્ભૂત લહાવો છે.
પોષી પૂનમ એટલે મા અંબા પ્રાગટયદિન.આ સપરમાં દિનને અતિ હર્ષોલ્લાસ અને ભાવથી ઉજવવામાં આવે છે તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. યજ્ઞવિધિમાં ઉપસ્થિત ભક્તો અલૌકિક એવી આધ્યાત્મિક અનુભૂતિ કરે છે.
આસો નવરાત્ર એટલે મા ની કરુણામય કૃપા વર્ષામાં તરબોળ થવાનો અવસર.આ પવિત્ર અને શક્તિ ઉપાસનાના દિવસોમાં મંદિરમાં વિવિધ ભક્તિસભર કાર્યોનું આયોજન કરવામાં આવે છે.આસો સુદ નોમના રોજ મા અંબાની સમક્ષ મહાયજ્ઞ સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત વિધીથી કરવામાં આવે છે.

- નીરવ ત્રિવેદી

Search

Social Share